આતપ સેવનની ઋતુ

સામાન્ય રીતે ૧૪મી નવેમ્બરથી સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશે ત્યારથી જ તડકો ગમવા લાગે છે. તેથી જ આ શિયાળા ને આતપ સેવનની ઋતુ કહે છે.

સૂર્ય અખંડ ઉર્જા નો સ્રોત છે,પ્રત્યક્ષ ઈશ્વર છે. આ કુમળા તડકાને સેવવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.શરદી અને કફ રોગનું શમન થાય છે. ચામડીના રોગો દૂર થાય છે.હીરા રતન માણેક કહે છે કે બધા જ રોગો દૂર થાય છે.

સૂર્ય બધા ગ્રહોનો પિતા છે એટલે જ આપણે સુરજદાદા કહીએ છીએ ને ?તડકા સેવનથી જ અપાલા નો કુષ્ઠ રોગ દૂર થયો હતો.જો. . .જો દોડાદોડીમાં તડકો સેવવાનું ભૂલાય ના જાય.                                                       

सूर्यो आत्मा जगत तस्थुश्च | સૂર્ય ને જગતનો આત્મા કહ્યો છે.આત્મા વગર શરીર સંભવે નહિ તેમ જગત સૂર્ય વિના કેમ ચાલે ?

ચૈતન્ય એ સૂર્યનો ગુણ આત્માનો પણ એ જ ગુણ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પિતા, અસ્થિ (હાડકા )પર પ્રભાવ ધરાવનાર કહ્યો છે.૧૪ ઓકટોબરથી ૧૪ નવેમ્બર સુધી જન્મેલા માટે સૂર્ય નબળો કહ્યો છે.તેમણે સૂર્યની પૂજા એટલેકે તડકો જરૂર સેવવો.

કેલ્શિયમ ની ઉણપ ધરાવનાર તડકો સેવે તો તેમણે વિટામીન d તો મળે જ .કોઇપણ ઘા ને રૂઝ લાવવામાં તડકો ઔષધ છે.

કલા ઉત્સવ

આજે કલા ઉત્સવના બીજા દિવસે ગાયન-વાદન સ્પર્ધા યોજાય.વાંસળી,ઓર્ગન,હાર્મોનિયમ,અને તબલા વાદન સ્પર્ધામાં 24 સ્પર્ધકોએ ભાગ લીધો.
ગાયન સ્પર્ધામાં લોકગીત,ભજન,સુગમગીત સ્પર્ધા યોજાય.IMG-20170801-WA0016
IMG-20170801-WA0013IMG-20170801-WA0008IMG-20170801-WA0009IMG-20170801-WA0023

Heartbeat Of life

જીવનનો ધબકાર -રસદર્શન
આ એક એવું પુસ્તક જેમાં ધબકતું જીવન જોવા મળે.દરેક વ્યક્તિને પોતાની વાત અને જીવનના અનુભવો કહેવાનું મન થાય તેમાંથી જ સાહિત્યમાં આત્મકથાનું સ્વરૂપ વિકસ્યું છે ધૂમકેતુનું “જીવનપંથ અને જીવનરંગ” ચંદ્રવદન ચી.મહેતાની “બાંધ ગઠરિયા”ગાંધીજીના “સત્યના પ્રયોગો”આવા પુસ્તકો S.Y.B.A.માં ૧૯૭૬માં અભ્યાસકાળ દરમિયાન વાંચેલા.
વનાંચલ અને શૈશવના સંસ્મરણોના અંશ વાંચ્યા અને ૨૦ વરસ સુધી ભણાવ્યા પણ ખરા.એ તો ઠીક પણ ૧૯૭૩ ની સાલમાં નવમા ધોરણમાં “હેલન કેલર”આત્મકકથાનો અંશ અંગ્રેજીમાં ભણ્યો ત્યારે એમ થતું કે અંધ વ્યક્તિએ પુસ્તક કેવી રીતે લખ્યું હશે?આનો જવાબ મને આજે તેંતાલીસ વરસે શ્રી લાભુભાઈના પુસ્તક “જીવનના ધબકાર” દ્વારા મને મળ્યો.
આ પુસ્તક એટલું રસપદ છે કે એકી બેઠકે વાંચી નાખવાનું મન થાય.
આ પુસ્તકના પાને પાને “જીવનનો ધબકાર”સંભાળવા મળે છે. બાળપણની માંદગી અને દૃષ્ટિ ગુમાવી-ચર્મચક્ષુ ગુમાવ્યા એ બાબતનો લેખકને જરા પણ રંજ નથી ઉલટાનો દિવ્ય દરબાર -દૃષ્ટિ પ્રાપ્ત થયાનો આનંદ છે ઈશ્વરે ખાસ અનુભવ થાય અને આવા સંઘર્ષમાંથી પસાર થયા પછી જ એક ફરિશ્તો લોકોનું હિત કરવા ઈશ્વર યોગ્ય વ્યક્તિને પૃથ્વી પર યોગ્ય સમયે મોકલે છે એ લેખક બરાબર સમજે છે.માતા અજવાળીબાનો મૃત્યુ પ્રસંગ ભલભલાને રડાવી દે તેવો છે.પુત્રની ચિંતા આ મા ના મનમાં કેવી હશે તે વિચાર પણ કંપાવી દે તેવો છે.
માંદગીનું વર્ણન અને આ બાળક સાજો નહિ થાય તેની પીડાથી આંખ ગઈ તેમ જ હવે જીવશે પણ નહિ એવું સાંભળીને સાયકલ પર ઘરે લાવતા બાળકને લારીમાંથી કેળા ખરીદતા માતા-પિતાનું શબ્દ ચિત્ર કાળજું કંપાવી દે છે.કેળા જીવન દાન પ્રાપ્ત થયું કોઈપણ વસ્તુ ક્યારે ઔષધ બને તે કહેવાય નહિ.ચપટી ધૂળ પણ જીવન દાતા બની જાય તે લેખકે દર્શાવ્યું છે.
માતાના મૃત્યુ પછી ખરખરે આવેલ સ્ત્રીઓ માતા કરતા આ બાળકનું મૃત્યુ થયું હોત તો સારું થાત.સ્ત્રીઓની આ વાત એ સમયની વાસ્તવિકતાનું નિરૂપણ છે જગત હંમેશ ઉપયોગિતાવાદ ને અનુસરે છે. આ અંધ બાળક કેમ મોટું થશે ?પગભર કેમ થશે ?એ વાસ્તવિકતા સામે આક્રોશ એ લેખક કચરાની ટોપલો નાખી આમાં સમાજની ગેરમાન્યતા સામેનો ગુસ્સો જોવા મળે છે.જેને જીવન કુદરત તરફથી મળ્યું છે એની મૃત્યુ વિશેની કામના કરતી સ્ત્રી પણ સહાનુભૂતિને પાત્ર હોવા છતાં લેખકને પણ થાય છે કે “મારું મૃત્યુની વાત તમે શા માટે કરો છો ? કોઈને મદદ કરવી કે નહિ અને ઈશ્વરના ન્યાય કે નિયમો વિષે સમીક્ષા કરનાર તમે કોણ?
163 માં પાને સૂક્ષ્મ દૃષ્ટિમાં વૈકુંઠધારી પ્રત્યેની કવિતામાં તત્વ જીજ્ઞાસાનું દર્શન જોવા મળે છે સૃષ્ટિ કેમ બની હશે ? એ દર્શનશાસ્ત્રનું તત્વચિંતન અહીં જોવા મળે છે. 169 માં પાને દંભીઓની દુનિયા પ્રકરણમાં વરવી વાસ્તવિકતાનું નિરૂપણ લેખકે કર્યું છે.ફેંકેલ પથ્થરમાંથી લેખકે તેમાંથી પગથીયું બનાવીને પ્રગતિના દ્વાર કેવીરીતે ખોલ્યા તે અહીં જોવા મળે છે.
37 માં પાને ગીજુ જોશી સાથેનો સંઘર્ષ પણ મુશ્કેલીમાંથી કેમ માર્ગ કાઢવો તેની લેખકને અનુભૂતિ થાય છે.ભવિષ્યમાં “કાનૂન ધકેલાયો હાંસિયામાં”આપેલ લેખકની લડતના બીજ “બીજનું વાવેતર”પ્રકરણમાં જોવા મળે છે.
દિવ્ય દરબારની અનુભૂતિ અને અંધત્વમાં પણ કુદરતની કૃપાના દર્શન જોવા મળે છે. કાદવ વચ્ચે કમળ અને કાંટા વચ્ચે ગુલાબ ઉગે તેમ એક ક્ષતિની સામે કુદરતે આપેલ વિશિષ્ટ શક્તિનો આવા બાળકોએ પડકાર તરીકે ઝીલીને સામનો કરવો એ લેખકનું દર્શન છે.કુદરતનું સર્જન કોઈ હેતુ વગર ના હોઈ શકે એવી ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાની 165માં પાને વાંચતા 11 માં ધોરણમાં તત્વજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં રજૂ થયેલી હેતુવાદીઓની ઈશ્વરના અસ્તિત્વ અંગેની દલીલો યાદ આવી ગઈ.આ સૂક્ષ્મ દૃષ્ટિ એને જ તત્વજ્ઞાનમાં “ચેતના”કહે છે અને નરસિંહ મહેતા જેને ‘સુરતા” કહે છે.સંતો આવા જીવને જ જાગેલો “જીવ”કહે છે અને જાગૃત જીવ-જેને તત્વ દર્શન થયું હોય તે બીજા લોકોને પણ આવું દર્શન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે તેવી પ્રાર્થના અહીં લેખક પણ કરે છે.

આવો જીવ પાપભીરુ હોય છે અહીંયા પણ લેખક “ઝગમગ”કાવ્યમાં પ્રપંચ અને કપટ લીલાથી દૂર રહેવાનું અને ઈશ્વરના ઠપકાથી બચવાનું કહે છે.
પ્રગતિ ઇચ્છનાર વ્યક્તિએ પ્રશંસકોથી હંમેશા બચતા રહેવાની વાત પણ સૂચવે છે કે લેખક આ બાબતે સતત જાગૃત છે કેમકે સૌથી લપસણી બાબત પ્રશંસા છે જે આધ્યાત્મિક વિકાસમાં અવરોધક છે.
આ પ્રકરણમાં આત્મસાક્ષાત્કારની અનુભૂતિનું શાબ્દિક વર્ણન કરવાનો પ્રયત્ન છે -ઉપનીષદમાં પણ આવું જ જોવા મળે આત્મ દર્શન કરનાર વ્યક્તિ આ વર્ણન કર્યા વગર વધુ વખત રહી શકે નહિ.આત્મચિંતન અને મનમાં ચાલતું દર્શન કુદરતે પ્રગટ થવા જ જાણે સર્જ્યું છે તેમ આ પ્રકરણ વાંચીને લાગે.
અંતિમ પ્રકરણ “વસિયતનામું” પાનું 195 પર લેખકે પોતાનું જીવન દર્શન વ્યક્ત કરી દીધું છે.જન્મ કે મૃત્યુ સમયે થતી કર્મકાંડ વિધિઓ કરતા વ્યક્તિના અધૂરા કાર્યોને આગળ ધપાવવા એ જ સૌથી મોટું શ્રાદ્ધ છે અને એ જ ધર્મ છે આ પ્રકરણમાં લેખક સંપૂર્ણપણે અધ્યાત્મવાદી દર્શન રજૂ કરે છે.ભૌતિકવાદી વ્યક્તિ ધન સંપતિનો સ્થાવર જંગમ મિલકત આપે પણ એવી નાશવંત બાબત કરતા અક્ષર- જેનો નાશ નથી તેવા વારસો આપવાની ઈચ્છા લેખકે અહીં વ્યક્ત કરી છે.
સમગ્ર આત્મકથામાં મારી દૃષ્ટિ આત્મસાક્ષાત્કાર થયેલ વ્યક્તિના વિચારો અને જીવન દર્શન કેવું હોય તે દૃષ્ટિગોચર થાય છે.

નાપાસ

ગુજરાતીમાં ના પાસ શબ્દ જ નથી. પાસ એટલે “પસાર થવું” નો પાસ શબ્દ હોવો જોઈએ. અંગ્રેજીમાં તો તેને માટે ફેઈલ શબ્દ છે.
શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પૂરી થઈ ત્યારબાદ હવે ૯ અને ૧૧ ની પરીક્ષાઓ પણ લેવાઈ ગઈ.

શિક્ષકોને માટે યક્ષ પ્રશ્ન છે કે જે વિદ્યાર્થી ઉત્તરવહીમાં સારું પ્રદર્શન નથી કરી શક્યો કે કંઈ લખી નથી શક્યો તેને ઉપલા વર્ગમાં કેમ ચઢાવવો ?

પરાણે ઉપલા વર્ગમાં બઢતી આપીને ધોરણ ૧૦ કે ૧૨માં પ્રવેશેલ વિદ્યાર્થી આવતા વર્ષે તો બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાનો જ .જે શિક્ષકને જ નુકશાન કરે.
બીજી બાજુ હવે વિદ્યાર્થીને ‘નાપાસ’ કહેવાનું નથી ફક્ત ગ્રેડ જ E1 કે E2 આપવાનો છે તેના શિક્ષણ અંગેની સરખામણી પણ અન્ય વિદ્યાર્થી સાથે ન કરવી એવું કહ્યું છે.

વાહ, બાળકો નિરાશ ન થાય, હતાશ ન થાય તેની કેટલી ચિંતા આ નિયમોમાં જોવા મળે છે. 14 કે 15 વર્ષનું બાળક પૂર્વ તરુણાવસ્થામાં હતાશ ન થવું જોઈએ તેની ચિંતા આ નિયમોમાં કરી છે.
શિક્ષકે ફક્ત સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું છે. બાળકને ઉત્તરવહીને આધારે મૂલ્યાંકન નહિ પરંતુ તેના વર્તન અને વિવેકને આધારે મૂલ્યાંકન એ ખરેખર આવકાર્ય બાબત છે.

પરીક્ષાના પરિણામને આધારે વિદ્યાર્થીનું મન ભાંગી ન શકાય તેની ચિંતા આ નિયમોમાં છે.
પરંતુ શિક્ષક મિત્રો વિચારે છે કે ન આવડે તેને અટકાવવા જોઈએ આ નબળા વિદ્યાર્થી આગળ ભણીને શું કરશે ? વાસ્તવિકતા જુદી ત્યાં છે કે નબળો ગણાતો શાળાનો વિદ્યાર્થી ભવિષ્યમાં સાધુસંત, અધિકારી,વેપારી કે ઉદ્યોગપતિ બને છે આ બાબતને આપણે કઈ રીતે મૂલવશું ?

આ વાસ્તવિક જીવનમાં સફળ બનતા વિદ્યાર્થી આપણી સમક્ષ પ્રશ્નાર્થ ઉભો કરે છે કે નિષ્ફળ ગણાતો શાળાનો વિદ્યાર્થી શું ખરેખર નિષ્ફળ હતો? નહિ જ. હા, તે નાપાસ થવાનું કારણ તેને રસરુચિ મુજબ ન વિષય તેને ભણવા નથી મળ્યા તે છે.
આ માટે ગમતા વિષય મળવા જરૂરી છે.ધોરણ 10 કે 12 માં વિષયોની બહોળી પસંદગી મળવી જોઈએ.

શાળામાં ધોરણ 9 કે 11 માં ભણતાં ભણતાં પડ્યો બોલ પણ ના ઉથાપતા, વિનયી વિવેકી વિદ્યાર્થી નાપાસ કેમ હોઈ શકે ?
શાળામાં ફર્નિચર ફેરવવું હોય, શાળાના બગીચામાં પાણી પાવું હોય, શાળાનું કમ્પાઉન્ડમાં કચરો સાફ કરવાનો હોય ત્યારે દોડતાં વિદ્યાર્થી નાપાસ ન થઈ શકે અને થવા પણ ન જોઈએ.

વિદ્યાનું પરીક્ષણ ઉત્તરવહીને આધારે નહિ વર્તનવહી ને આધારે થાય તે આ પરીક્ષા પદ્ધતિનો ઉદ્દેશ છે.

જોજો ભૂલેચૂકે પણ ખબર ન પડવા દેતા કે કોઈ વિદ્યાર્થી નાપાસ છે. કુદરતનું શ્રેષ્ઠ સર્જન નાપાસ કેવી રીતે હોઈ શકે? દૂષણો,નિષ્ફળતા અને વેરભાવ તો મોટા થયા પછી આવે છે જો આ વિદ્યાર્થીઓમાં આવા ભાવ જોવા મળે તો તે તેના નથી પરંતુ આપણી વાલી કે શિક્ષકોની દેન હશે અને આપણી દેન હોય તો વિદ્યાર્થી નાપાસ કે આપણે ?
વિદ્યાર્થીને શું આવડે છે ? એ શોધવાનું કાર્ય જ શિક્ષકે કરવાનું છે. શું નથી આવડતું ?એ જોવાનું નથી આમ છતાં નથી આવડતું એ ખબર પડે અને વિદ્યાર્થી તે વિષય કે બાબત શીખવા ઈચ્છતો હોય તો તે શીખડાવવું આ થઈ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ. કયા કૌશલ્ય બાળક જલ્દી શીખી શકે અને આવડે તે આ પદ્ધતિમાં શોધી કાઢવામાં આવે છે.

આમ આ હકારાત્મક રીતે બાળકનું મૂલ્યાંકન કરવાની રીત છે.

વર્ષા-વિચાર

આજે ૨૨.૬.૨૦૧૪ ભારતીય આષાઢ માસ નો પ્રારંભ થયો તેમ પંચાગ કહે છે.આજથી સૂર્ય આદ્રા નક્ષત્ર માં સવારે ૧૦.૩૮ મીનીટે પ્રવેશ્યો.આદ્ર એટલે ભીનું -ભેજવાળું.આથી હવે વરસાદ આવશે એમ માની શકાય.સૂર્ય ૩૬૦ દિવસ માં ૨૭ નક્ષત્રો માં ફરી લે છે.૩૬૦ /૨૭ =૧૩.૩૩ દિવસ એક નક્ષત્ર માં રહે એટલે કે ૧૩ દિવસ અને આઠ કલાક આદ્રા નક્ષત્ર માં રહેશે.
હવે ૬ જુલાઈ ના સવારે ૧૦.૦૬ વાગે પુનર્વસુ એટલે કે વખ માં પ્રવેશશે.
ત્યારબાદ ૨૦ જુલાઈ ના રોજ સવારે ૯.૪૨ વાગ્યે પુષ્ય એટલે કે પખ નક્ષત્રમાં પ્રવેશશે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશી જળ તત્વ ની રાશી કહેવાય છે ચોમાસા ની ઋતુ માં જયારે આ રાશી માં ચંદ્ર આવે ત્યારે વરસાદ ની સંભાવના વધારે કહેવાય.આથી જૂન ની ૨૯ તારીખે ચંદ્ર રાત્રે ૨.૧૮ મીનીટે કર્ક માં પ્રવેશશે અને ૧ લી જુલાઈ બપોરે ૧૪.૫૧ મીનીટ સુધી રહેશે એટલે ત્યારે વરસાદ સારો પડવો જોઈએ.આ વખતે ગુરુ પણ તા.૧૯.૬.૨૦૧૪ થી કર્ક માં પ્રવેશ્યો છે ગુરુ -ચંદ્ર ભેગા થાય ત્યારે ગજ-કેશરી યોગ થયો કહેવાય જે વરસાદ નું બળ વધારશે.
આ ઉપરાંત જયારે મંગળ અને ચંદ્ર ભેગા થાય કે જેની કુંડલી માં ભેગા હોય તો લક્ષ્મી યોગ કહેવાય છે આ બંને ને યુતિ થાય ત્યારે શ્રી કાર વરસાદ થાય તેમ કહેવાય ૩ જી જુલાઈ ના રાત્રે ૩.૨૪ થી ચંદ્ર કન્યામાં પ્રવેશે છે અને ૬ ઠ્ઠી જુલાઈ ના બપોરે ૧.૫૪ સુધી રહેશે આ ગાળા માં શ્રી કાર વરસાદ થઇ શકે.
૬ ઠ્ઠી જુલાઈ ૧.૫૪ થી ૮ મી જુલાઈ રાત્રે ૮.૩૫ સુધી ચંદ્ર તુલામાં રહેશે અને શનિ સાથે યુતિ થશે આ વાયુ તત્વ ની રાશી અને શનિ ગ્રહ ની વાયુ તત્વ ની પ્રબળતા વધે તેથી પવન વાવાઝોડું થાય એવું બને.શનિ-ચંદ્ર ની યુતિ વિષ યોગ કરે છે તેથી આ ગાળાનો વરસાદ વાવાઝોડું નુકસાન કરે.
૮ મી જુલાઈ ૨૦.૩૬ વાગ્યાથી ૧૦ મી જુલાઈ ના ૨૩.૧૫ સુધી ચંદ્ર વૃશ્ચિક એટલે જળ તત્વ ની રાશી માં રહેશે એટલે આ બે દીવસ પણ વરસાદ સારો
રહે.
ત્યારબાદ ૧૬ મી જુલાઈ રાત્રે ૨૩.૩૬ થી ૧૯ મી જુલાઈ રાત્રે ૩.૩૧ મિનિટ સુધી ચંદ્ર મીન રાશી માં રહેશે મીન જળ તત્વ ની રાશી હોવાથી તેમાં પણ વરસાદ થાય તેવી પૂરી સંભાવના છે.
સમગ્ર વર્ષા ઋતુ દરમિયાન શનિ મહારાજ તુલા માં હોવાથી પવન નું જોર તો રહેવાનું જ ૧૯૮૨ માં તુલા માં શનિ મહારાજ હતા ત્યારે વાવાઝોડું થયેલું તે ઘણા ને યાદ હશે.

રસરુચિ અનુસાર શિક્ષણ

મોટાભાગની પરીક્ષાના પરીણામો આવી ગયા છે દસમા ધોરણમાં કેટલા ટકા આવ્યા ? તેને આધારે વિદ્યાર્થી ને પ્રવાહ પસંદ કરવાનું કહેવામાં આવે છે.આવા શબ્દો વાલી ના કાને પડે છે.
” અરે વાહ ૮૦ ટકા આવ્યા તો તો તારે સાયન્સ માં જવું જોઈએ ” “બસ,૫૦ થી ઓછા ટકા છે તારે આર્ટસ કે ટેકનીકલ (I T I )માં જવું જોઈએ ”
આમ ટકાવારી ને આધારે પ્રવાહ પસંદ કરવાનું કહેવામાં આવે છે આ કેટલું ઉચિત કહેવાય ? આને કારણે જ Three idiyot જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે.
ખરેખર તો વિદ્યાર્થીના રસરુચિ જાણી ને પ્રવાહ પસંદ કરવાનું કહેવામાં આવે તો ભવિષ્યમાં તેમને યોગ્ય વ્યવસાય મળે અને નિષ્ફળતા થી બચી જાય.આ માટે રસરુચિ જાણવા માટે ની પરીક્ષા લઇ શકાય આવા કસોટીપત્રો પણ ઉપલબ્ધ છે.વિદ્યાર્થી ને ૧૧ માં ધોરણ આ માર્ગદર્શન મળવું જરૂરી છે.
હાલમાં ટકાવારી આધારિત આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ અથવા ટેકનીકલ માં પ્રવેશ લેવો એમ નહિ પણ રસ આધારિત પ્રવાહ પસંદ કરવો જોઈએ ઘણીવાર ૯૦ કે ૯૫ ટકા મેળવનાર વિદ્યાર્થી આર્ટ્સ માં રસ ધરાવતો હોઈ એવું બને અને એવી જ રીતે ૩૫ કે ૪૦ ટકા મેળવનાર ઘણીવાર વિજ્ઞાન માં રસ ધરાવતો હોય શકે આ શોધી કાઢવું એ શિક્ષક અને શિક્ષણ નું કાર્ય છે.આ માટે કારકિર્દી માર્ગદર્શન આવશ્યક છે.

ત્રિવિધ કર્મ

કર્મના ત્રણ પ્રકાર કાયિક,વાચિક અને માનસિક.
કાયિક એટલે શરીર કે કાયાથી થતા કર્મ.

જેમકે વૃદ્ધ કે અંધ ને રસ્તો ઓળંગાવવો કે કોઈને મારવું એમ સારું અને ખરાબ એમ બંને કર્મ હોઈ શકે.
વાચિક એટલે વાણીથી થતું કર્મ જેમકે કોઈની નિંદા કે પ્રશંસા કરવી.
માનસિક એટલે મનથી થતું કર્મ.

જેમકે કોઈના હિત કે મંગળ થાય તેવી પ્રાર્થના કરવી અથવા કોઈનું કામ બગડે તેવું વિચારવું.
સાંખ્ય અને જૈન દર્શન બંને ઉપરના કર્મના ફળ સારા કે નરસા મળે છે તેવું માને છે.

સારા કે નરસાં બંને કર્મ બંધન કરે છે પરંતુ કૃષ્ણ કહે છે કે કર્મથી સાવ મુક્ત થઇ શકાતું જ નથી.

આવે વખતે પ્રત્યાહાર-ઈશ્વર ને સર્વ સમર્પિત ભાવ રાખવાથી કર્મ બંધન થતું નથી.આમ સતત દરેક કર્મ કરતા વિચારવું તે પ્રત્યાહાર.
જૈન દર્શન કહે છે કે સમગ્ર દિવસ દરમિયાન જે કોઈ કર્મ થાય તેને મનમાં ચિત્ર સ્વરૂપે જોઈ ને પ્રાયશ્ચિત કરવું -તે કર્મ થી પાછા ફરવું અને પસ્તાવો કરવો.

સારું કર્મનું અભિમાન પણ નહિ અને કોઈને મનથી પણ દુઃખી કર્યા હોય તેની માફી માગવી.આ ભાવ પ્રતિક્રમણમાં રહેલો છે.
કોઈને દુઃખી થતા જોઇને એમ વિચારવું કે “તેના કર્મ તેને નડે છે “આવું વિચારવું પણ વિચારનારા માટે કર્મ બંધન કરે છે તેથી આવું માનસિક રીતે વિચારવું પણ નહિ તેમ સાંખ્ય અને જૈન દર્શન કહે છે ભગવતગીતા પણ સાંખ્ય દર્શનના સિદ્ધાંતો રજૂ કરે છે.
આ બંને દર્શનો શ્રેષ્ઠ અવસ્થા(કર્મથી પર)એ પહોંચેલ આત્માને જ પરમાત્મા માને છે.

શિક્ષણમાં સ્વતંત્રતા

સ્વતંત્રતા જેવું કોઈ સુખ નથી. શિક્ષણમાં પણ જો સ્વતંત્રતા આપવામાં આવે તો શિક્ષણ ગુણવત્તા સભર અને વ્યાપક પણ બને. માધ્યમિક શિક્ષણ બોર્ડ નું દસમા નું પરિણામ ૬૩.૮૫ ટકા જેટલું આવ્યું એક વિષય માં નાપાસ હોય તેવી સંખ્યા પણ ૫૭૦૦૦ જેવી છે.સૌથી ઓછું વિજ્ઞાન ૬૯.૮૩ ટકા જયારે ગણિત ૭૨.૬૩ ટકા છે.
દર વર્ષે ગણિત-વિજ્ઞાનમાં રીપીટરની સંખ્યા કૂદકે-ભૂસકે વધે છે.આ બાબત બધા જ શિક્ષક ના ધ્યાન પર છે જ. સર્વ શિક્ષણવિદ્ પણ આ બાબત થી સુપેરે પરિચિત છે.
શું એવું ના થઇ શકે કે ગુજરાતી અને અંગ્રેજી બે વિષય જ ફરજિયાત બાકીના પાંચ વિષય મરજિયાત પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો ગણિત અને વિજ્ઞાન માં નાપાસ થવાનું પ્રમાણ ઘટે, સાથોસાથ તેના વિકલ્પે કળાઓ , વાણિજ્ય ગણિત,કોમ્પ્યુટર, મોબાઈલ ટેકનોલોજી વિવિધ ભાષાઓ જેવા રસપ્રદ વિષયોમાંથી પસંદગી ની તક આપવામાં આવે અને સ્વતન્ત્રતા આપવામાં આવે તો શિક્ષણ ગુણવત્તા સભર અને વ્યાપક બને આ ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં પણ આવી સ્વતંત્રતા આપવામાં આવે કે બે વિષય જ ફરજીયાત બાકીના ચાર વિષય સ્વતંત્ર રીતે પસંદ કરવાની છૂટ હોવી જોઈએ.
વિષય પસંદ કરવાની સ્વતંત્રતા હશે તો વિદ્યાર્થીઓ રસ પૂર્વક અધ્યયન કરશે એટલું જ નહિ તેમને ગેરરીતિ કરવાનું મન પણ નહિ થાય.આમ શિક્ષણ મૂલ્યલક્ષી પણ બનશે.વળી રસપ્રદ વિષયો ને કારણે તેને ઊંડાણપૂર્વક વાંચવું ગમશે તેથી ગુણવત્તા પણ વધશે જ તે નિશંક છે.
૧૯૭૫ પહેલા ભણેલા બોર્ડ ના વિદ્યાર્થીઓએ આવી સ્વતંત્રતા મેળવી છે.ચાલો ને, હાલ ના વિદ્યાર્થી ને આવી તક આપીએ અને મૂલ્યયુક્ત,ગુણવત્તા સભર અને ભાર વગરનું ભણતર બનાવીએ.

શિક્ષણમાં નિદાન અને ઉપચાર

હમણાં વર્તમાનપત્ર આવશે અને પરિણામોની મોસમ ચાલી રહી હોવાથી વિવિધ શાળાઓ પોતાની શાળાઓની સિદ્ધિ વર્ણવશે વિદ્યાર્થીની તસવીરો હશે.

મને વિચાર એ આવે છે કે મોટે ભાગે “પૂજે જનો સૌ ઉગતા રવિ ને “એ ન્યાયે સફળ વિદ્યાર્થીઓ માટે આપણે હરખ કરીએ છીએ પણ બાકીના નિષ્ફળ વિદ્યાર્થી માટે નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ વિશે કેટલી શાળાઓ મિટિંગ કરે છે ?
આ માટે વિદ્યાર્થીની નિષ્ફળતાના કારણો અને ઉપાયો શોધવા એ પ્રાથમિકતા છે આ માટે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા, રસ ના વિષયો,કૌટુંબિક પરિસ્થિતિ,સામાજિક પરિસ્થિતિની તપાસ શિક્ષણમાં રસ ધરાવતા સૌ એ કરવાની જરૂર છે.

જો કે આવી નિષ્ફળતા વિશેની તપાસ અને સંશોધનો અનેક થયા છે પરંતુ આવા નિષ્ફળ બાળકો માટે નક્કર કાર્યોની જાહેરાત કે સમાચાર વર્તમાન પત્રોમાં નથી મળતા.આવા સંશોધનો ફક્ત પુસ્તકાલયોની શોભા જ વધારે તે પૂરતું નથી.
મારા F.Y.B.A.ના અભ્યાસ ક્રમમાં અમારે “ફોરાં”વાર્તા સંગ્રહ- ડો.જયંત ખત્રી નો અભ્યાસ થતો તે વાર્તાઓ માં સમાજના નિષ્ફળ પાત્રો જ નાયક છે.

ભાસે પણ પોતાના નાટકોમાં સમાજના ઉપેક્ષિત પાત્રોનું ઉર્ધ્વીકરણ કર્યું છે.
વર્તમાન સમયમાં આ નિષ્ફળ વિદ્યાર્થી (ફક્ત પદવી લેવામાં જ ) શું બીજી કોઈ સર્જનાત્મક શક્તિ ધરાવે છે અથવા તેની આ શક્તિ કેળવી શકાય છે કે કેમ ?આવું વિચારવું એ જ શિક્ષણનું કાર્ય છે શિક્ષણ માટે અંગ્રેજી શબ્દ to educate નો અર્થ “કેળવવું” એવો થાય છે.

કેટલું નથી આવડતું ? એ વિચારવા કરતા઼ કેટલું આવડે છે ? તે શોધી કાઢવું તે થઈ શિક્ષણની હકારાત્મક વિચારણા.

બધા ડોકટરો કે એન્જીનીયર બને તે કોઈ સમાજ કે દેશમાં શક્ય નથી અને જરૂરી પણ નથી. પાટો સારો બાંધી શકે તેવા કમ્પાઉન્ડર કે નર્સના વ્યવસાય માટે વધુ તકો મળે અને તેવા વ્યવસાયોને પ્રતિષ્ઠા મળે તેવું વેતન પણ મળવું જોઈએ અને માર્ગદર્શન પણ.
“સૌ નો સાથ એ જ સૌ નો વિકાસ”
ચાલો,આ નિષ્ફળ વિદ્યાર્થી માટે કૈક વિચારવાનું શરુ કરીએ.

આજનો સુવિચાર

મોટપ મોટા નર તણી,આપોઆપ કળાય,
હાથીને ભલી ઘંટડી,ઢોલ કદી નવ સહાય .
મોટા માણસ ની મોટપ માટે વાતો કે વખાણ કરવા પડતા નથી,તેમની પ્રશંસા કરવાની જરૂર પડતી નથી.હાથી શેરીમાંથી નીકળે એટલે લોકો જોવા નીકળે જ તેને માટે ઢોલ વગાડી ને બોલાવવાની જરૂર પડતી નથી.અલબત્ત જાન નીકળે ત્યારે ઢોલ વગાડવો પડે.બેન્ડવાજા વગાડવા પડે તે તો વિશિષ્ટ સંજોગો કહેવાય.
આ વાત એટલે યાદ આવી કે પાઠ્યપુસ્તક પુસ્તક માં વડાપ્રધાન વિષયક પાઠ મૂકવો કે કેમ ? વડાપ્રધાન શ્રી એ નારાજગી બતાવી આ તેમની નમ્રતા બધાને ગમી, વિરોધપક્ષો ને પણ. સામાન્ય માણસમાંથી આવા અલંકૃત પદે પહોચનાર વ્યક્તિ માટે તેમની આત્મકથા કે જીવનચરિત્ર નો અંશ મુકવાની રાજ્ય સરકાર ની વાત પણ એક સારો આદર્શ પૂરો પાડવાની છે તે પણ આવકાર્ય છે.
પરંતુ ભારતીય સંસ્કૃત સાહિત્યમાં પોતાનું નામ કવિ કે સાહિત્યકાર લખવામાં સંકોચ અનુભવતા.स्वप्न वासवदत्तम् ના નાટ્યકાર ભાસે તો તેર નાટકો લખ્યા પણ તેમણે પોતાનું નામ ક્યાય જણાવ્યું નથી. આ નાટકો છેક ૧૯૩૨માં ગણપતીશાસ્ત્રી નામના વિદ્વાને સંશોધન કરી ને નક્કી કર્યું કે આ નાટકો ભાસ ના જ છે.
આ નાટકો ભાસ ના જ છે તેમ ખબર એટલે પડી કે પછીના કવિઓ એ ઉલ્લેખ કર્યો છે કે ભાસે આવા નાટકો લખ્યા છે આમ સંસ્કૃત કવિ પોતાનું નામ લખવાનું પણ ટાળતા આવી નમ્રતા ભારત નો વારસો છે. નરસિહ કે મીરાંબાઈ ને ક્યાં ખબર હતી કે તેમના કાવ્યો દરેક ધોરણો ની ગુજરાતીમાં પહેલા પાને હશે ph.d.માં તેમના વિશે સંશોધન થશે.
સંસ્કૃત માં પણ આને મળતી પંક્તિ છે કે
न हि कस्तूरी सुगंधम् शपथेन विभाव्यते |
કસ્તુરી ની સુગંધ માટે સોગંદ લેવા પડતા નથી કે શરત લગાવવી પડતી નથી.

ઉપાદાન અને નિમિત્ત કારણ

કોઈપણ વસ્તુનું નિર્માણ જેમાંથી થાય કે વસ્તુ જેમાંથી બને તેને વસ્તુ નું ઉપાદાન કારણ કહે છે.

જેમકે ખુરશી લાકડામાંથી બની હોય તો લાકડું તેનું ઉપાદાન કારણ કહેવાય,જો ખુરશી લોખંડમાંથી બની હોય તો ખુરશી નું ઉપાદાન કારણ લોખંડ કહેવાય,જો ખુરશી સોના કે ચાંદી ની બની હોય તો સોનું કે ચાંદી ખુરશીનું ઉપાદાન કારણ કહેવાય.
વસ્તુ ઉપાદાન કારણ વગર ઉત્પન્ન થઈ શકે નહિ.દરેક પ્રાણીનો દેહ પાંચ મહાભૂતોનો બનેલો છે તે આ દેહ નું ઉપાદાન કારણ પાંચ મહાભૂતો કહેવાય છે.
ઉપાદાન કારણમાંથી વસ્તુનું નિર્માણ કરનાર ને નિમિત્ત “કારણ” કહે છે.

નિમિત્ત કારણ ચેતન હોય છે લાકડામાંથી ખુરશી બનાવનાર સુથાર ખુરશીનું નિમિત્ત કારણ કહેવાય.

લોખંડ માંથી ખુરશી બનાવનાર લુહાર ખુરશીનું નિમિત્ત કારણ કહેવાય.

સોનાના આભૂષણો બનાવનાર સોની આભૂષણો નું નિમિત્ત કારણ કહેવાય.
ભગવતગીતાના મતાનુસાર આ જગતનું ઉપાદાન કારણ પ્રકૃતિ ( અષ્ટધા ) છે.

પાંચ મહાભૂતો – પૃથ્વી,પાણી,તેજ,વાયુ,આકાશ, અને મન,બુદ્ધિ અને અહંકાર (અહંકાર એટલે મારું અસ્તિત્વ છે તેવું જ્ઞાન ) આ ત્રણ ના સમન્વય ને ચિત્ત કહે છે.
મન+બુદ્ધિ +અંહકાર =ચિત્તભૂમિ.
આ ચિત્તભૂમિમાં આત્મા વિરાજે છે.

ક્ષર એટલે નાશવંત જીવ અને અક્ષર એટલે જેનો નાશ નથી તે .

क्षरति इति क्षर पुरुष |

न क्षरति इति अक्षर पुरुषोतम |

આયુર્વેદ માં शीर्यते जीर्यते इति शरीर | જે શીર્ણ-જીર્ણ થાય તે શરીર.આ શરીરને ધારણ કરે તે શારીરક એટલે આત્મા.
આ આઠ પ્રકાર ની પ્રકૃતિમાંથી દેહ કે જગતનું નિર્માણ કરનાર ઈશ્વરને તેનું નિમિત્ત કારણ કહેવાય છે.પ્રકૃતિમાંથી આપમેળે જગત બનતું નથી જેમ લાકડામાંથી આપમેળે ખુરશી બને નહિ તેમ..તેથી જ જગત નું નિર્માણ કરનાર ચૈતન્ય તત્વ ઈશ્વરને નિમિત્ત કારણ કહ્યું છે.

कबीरबानी -કબીર દોહા

सुखिया सब संसार है खावें अरु सोवे |
दुखिया दास कबीर है जागे अरु रोवे ||
આ આખો સંસાર સુખી છે જે ખાઈ છે અને સૂઈ જાય છે( અજ્ઞાન દશા માં ) એક દાસ કબીર દુઃખી છે,જે જાગે છે અને રડે છે.( જ્ઞાન દશા માં )

चलती चाकी देखके दीया कबीरा रोई |
दो पाटन के बिचमें बाकि बचा न कोई ||
ઘંટી ચાલતી જોઇને કબીર ને રડવું આવે છે,ઘંટી ના બે પડ વચ્ચે કોઈ દાણો બાકી રહ્યો નહિ અહં અને મમત્વ, રાગ દ્વેષ જેવા દ્વન્દ્વ વચ્ચે કોઈ બાકી બચ્યું નથી.

कबीर कहे कमाल को दो बातें सिख ले |
कर साहेब की बंदगी और भूखे को अन्न दान ||
કબીર તેના પુત્ર કમાલ ને બે વાત શીખી લેવાનું કહે છે એક તો ઈશ્વર ની પ્રાર્થના કરવી અને ભૂખ્યા ને અન્ન આપવું.( જયાં રોટી નો ટૂકડો ત્યાં હરિ ઢૂંકડો )

बडा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर |
पंछी को छाया नहीं फल लगे अति दूर ||

માણસ મોટો બને તેથી શું ? ખજૂર નું વૃક્ષ ઘણું ઊંચું હોય છે.જેનાથી પંખી ને છાંયો મળતો નથી અને વળી તેના ફળ પણ ખૂબ દૂર (ઉંચે) હોય છે.

पत्ता तूटा डाली से ले गई पवन उड़ाई |
अब के बिछड़े कब मिलेगे दूर पड़ेगे जाई ||

ડાળી એ થી તૂટેલું (છૂટું) પડેલું પાંદડું જેમ પવન દૂર લઇ જાય છે તેને પવન ક્યાં લઇ જાય તે નક્કી હોતું નથી તેવું જ માનવ જન્મ અને માણસો ક્યારે અને કેમ મળે છે અને છૂટા પડી જાય છે તે નક્કી હોતું નથી.

કારણ

જ્યારથી માનવી વિચારતો થયો ત્યારથી તેને એ જિજ્ઞાસા થયા કરે છે કે કોઈ ઘટના બની તેની પાછળનું કારણ શું ?

ઘટના બનવા પાછળ કારણ જવાબદાર હોય છે તેવી દરેક માનવીને શ્રદ્ધા છે.

આમ મૂળભૂત રીતે માનવી શ્રદ્ધાળુ છે તે કાર્યકારણના મહાનિયમમાં શ્રદ્ધા રાખે છે.આ મહાનિયમમાં શ્રદ્ધા રાખીને જ વૈજ્ઞાનિકો શોધ આરંભે છે.

વૈજ્ઞાનિકોને કુદરતમાં અખૂટ વિશ્વાસ છે કે કોઈપણ ઘટનાનું કારણ શોધીએ એટલે કારણ મળી આવશે જ.
આ કારણ શું છે ?
કારણ એટલે ઘટના બનવા માટેનો અનિવાર્ય સંજોગ.

જેની હાજરી સિવાય ઘટના અસ્તિત્ત્વમાં આવતી નથી.
કારણમાંથી કાર્ય બને ત્યારે તેમાં ગતિ જન્મે છે.
જેમકે દૂધ માંથી દહીં બને ત્યારે મેળવણનું ટીપું પડતાં જ દહીં બનવા માટે બેક્ટેરિયા બનવા લાગે છે.

બીજ જમીનમાં પડતાંની સાથે જ તેમાં અંકુર ફૂટવાની પ્રક્રિયા શરુ થાય છે.

એનેફીલીસ મચ્છરની માદા કરડતા જ મેલરિયા થવાની શરૂઆત થાય છે આમ ગતિ તુરત જ જોવા મળે છે પણ તેને નરી આંખે જોઈ શકાતી નથી.

અલબત્ત દૂધ માંથી દહીં બને ત્યારે ચોક્કસ ઉષ્ણતામાન હોવું જરૂરી છે.આ ચોક્કસ ઉષ્ણતામાન સહકારી કારણ કહેવાય.

કેટલીક બાબતો કારણમાંથી કારણ બનવા માટે અવરોધ રૂપ બને છે જેમ કે દહીં બનવા માટે ઠંડી ના હોવી જોઈએ.
મેલેરિયા થવા માટે થાક,રક્તકણોની ઉણપ, પ્રતિકાર શક્તિ નો અભાવ સહકારી સંજોગ છે. બીજમાંથી અંકુર ફૂટવા માટે પાણી કે ભેજ,માટી,પ્રકાશ,હવા, વાતાવરણ સહકારી સંજોગો છે.
કારણ પુરોગામી હોય છે.

કારણ હંમેશા પહેલા અને કાર્ય પછી જોવા મળે.બીજ પહેલા પછી જ અંકુર.
કારણમાંથી કાર્ય બનવા માટે “તત્કાલ”હોય છે એટલે કે ચોક્કસ સમય હોય છે.

કાગડો બેસે અને ડાળી પડે તો કાગડાને જ કારણ ના કહેવાય.ડાળી જર્જરિત થઇ હોઈ પહેલો તેના પર ઘા પડ્યો હોય કે વાવાઝોડું જેવી અસરો પણ કારણ ની શરૂઆત થઇ ગઈ હોય એમ બને.

દરેક બીજમાંથી અંકુર ફૂટવા માટે ચોક્કસ સમય હોય છે.

કેટલીક જુવાર ૬૦ તો કેટલીક જુવાર ૮૦ દિવસે પાકે છે તો નારિયેળ ના બીજમાંથી અંકુર ફૂટતા મહિનો પણ વીતી જાય.આમ કારણ તત્કાલ હોય છે.
કારણના ગુણો કાર્યમાં આવે છે.

જેવું કારણ તેવું જ કાર્ય.બીજના ગુણો અંકુર, વૃક્ષ કે તેના પર્ણમાં પણ જોવા મળે.

લીંબુડીના પણ માં લીંબુની ગંધ આવે,આંબા ના પાંદડામાં કેરીની ગંધ આવે.

આમ કારણ જેવું જ કાર્ય. “વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા”
કારણનો નાશ થતો નથી અવિનાશી છે.

કારણ ફક્ત રૂપાંતર પામતી ઘટના છે.આપણું વસ્ત્ર પહેલા તંતુ તે પહેલા રૂ હતું તે પહેલા કપાસ અને તે પહેલા બીજ હતું.

હવે આ વસ્ત્ર ભવિષ્યમાં સાફસૂફી કરવાનું ઝાપટીયું કે પોતું બની જાય.

આમ વસ્ત્રનું રૂપાંતર થાય પણ તેનો નાશ થતો નથી અહીં શક્તિ સંચયનો નિયમ કામ કરે છે.
કારણની શોધમાંથી જ બધી શોધ શક્ય બની છે.આ જગતનું કારણ શું ? તેની ચર્ચા વિવિધ દર્શનશાસ્ત્ર માં જોવા મળે છે.

ગણિત અને નિગમન પદ્ધતિ

ગણિત શબ્દ गण॒ ધાતુ (૧૦ મો ગણ) गणयति – “ગણવું” એવાં અર્થ ધરાવે છે.

તેનું કર્મણી ભૂત કૃદંત નું રૂપ गणित બન્યું છે. ગણિત નો અર્થ થાય છે “ગણેલું”. જે એકવાર ગણાય ચુક્યું છે.

ગણિત એવાં સૂત્ર અને સાર્વત્રિક સિધ્ધાન્તો રજૂ કરે છે કે જેને આધારે ચોક્કસ તારણ કે પરિણામ મેળવી શકાય.

આ સૂત્ર પહેલા એકવાર ખાતરીપૂર્વક ગણાય ચૂક્યા હોય છે અને ત્યારબાદ બીજી ગાણિતિક સમસ્યા ઉકેલવા માટે તેને રજૂ કરવામાં આવે છે.

આ પ્રમાણે એકવાર ગણાઈ ચૂક્યું હોવાથી તે ગણિત કહેવાય છે.

પહેલી વાર જયારે સૂત્ર બન્યા હોય ત્યારે તેમાં વ્યાપ્તિનો ઉપયોગ થયો હોય છે પણ જયારે એકવાર સાર્વત્રિક સૂત્ર ચોક્કસ તારણ આપે તેવું બને અને તે સૂત્ર બીજી સમસ્યા ને લાગુ કરવાનું હોય ત્યારે તે નિગમન પદ્ધતિને અનુસરવામાં આવે છે.

સમગ્ર ગણિત નિગમન પદ્ધતિ ને અનુસરે છે નિગમન પદ્ધતિમાં સાર્વત્રિક બાબતો પરથી આંશિક અનુમાન પ્રાપ્ત કરવાનું હોય છે.
જેમકે,
સર્વ બાળકો નિર્દોષ છે.

રમેશ બાળક છે.

તેથી રમેશ નિર્દોષ છે.

અહી કોઈપણ બાળકનું નામ લખવામાં આવે તેનો સમાવેશ “સર્વ બાળકો” માં થવાનો.

તેથી તે બાળક વિશે પણ તે નિર્દોષ છે તેમ કહી જ શકાય.

આ પ્રમાણે જ ગણિતમાં પણ એક સૂત્ર કે નિયમ નિર્ધારિત પરિણામ રજૂ કરવામાં આવે છે.

આ રીતે ગણિત તર્કશાસ્ત્રની નિગમન પદ્ધતિને અનુસરે છે અને એકવાર ગણાય ચૂક્યું છે એવો કર્મણીભૂતકૃદંતનો અર્થ સાર્થક કરે છે.

प्र + मा (मिमीते) ધાતુ પર થી તેનું સંબંધક ભૂત કૃદંત નું રૂપ પ્રમેય બન્યું છે તેનો અર્થ થાય છે કે “સારી રીતે મપાયેલું”

भूमिति શબ્દ પણ भू + मा સંયોગ થી બન્યો છે. મીત એટલે મપાયેલું.

જમીન કે ભૂપૃષ્ઠ માપવામાં તેનો ઉપયોગ થાય છે. આમ ગણિત એક વાર ગણાઇ ગયેલું હોય છે.

વ્યાપ્તિ-વિજ્ઞાનનો પાયો

દરેક વિજ્ઞાન નું કાર્ય સંશોધન કરવાનું છે અને સંશોધન નો આધાર વ્યાપ્તિ છે.

તર્કશાસ્ત્રએ સંશોધનની પદ્ધતિ આપી છે જેને બધા શાસ્ત્રો અનુસરે છે.

શાસ્ત્રો અને વિજ્ઞાનોનું કાર્ય સિદ્ધાંતો સ્થાપવાનું છે.કોઈપણ સિધ્ધાંત સ્થાપવો હોય તો પહેલા નિરીક્ષણ કરવું પડે.

નિરીક્ષણ કરતા જે સામાન્ય બાબત જોવા મળે તેને આધારે “સામાન્યીકરણ ની પ્રક્રિયા” થાય તેમાંથી જ સંશોધનની પ્રક્રિયા ઉદ્ભવે છે,જેમાંથી સિધ્ધાંત સ્થાપવાનું શક્ય બને છે.
જેમકે
” કેટલાક પક્ષીઓ ને પાંખ છે અને ઉડી શકે છે” એ જોઇને “સર્વ પક્ષી ઉડી શકે છે” તેવું વ્યાપ્તિ વિધાન તારવી શકાય છે.
ગૃહિણીઓ રોજ વ્યાપ્તિ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

ખીચડી કે શાક બનાવતી વખતે ગૃહિણી એક શાક નું ફોડવું દબાવી ને નક્કી કરે છે કે શાક ચડી ગયું છે કે નહિ ?

એક બે મગ ચોખા ના દાણાને આધારે ખીચડી ચડી ગઈ છે કે નહિ? તેનું અનુમાન કરે છે. આ જ બાબત વિજ્ઞાનના સિદ્ધાંતો સ્થાપવામાં પણ કામ લાગે છે.
“સર્વ ધાતુ ગરમી આપવાથી પીગળે છે.”
“સર્વ પદાર્થ પોતાના વજન જેટલું પ્રવાહી ખસેડે છે.”
“સર્વ બાળકો નિર્દોષ છે.”
ઉપરના બધા જ વ્યાપ્તિ વિધાનો કેટલીક હકીકતોનું નિરીક્ષણ કર્યા બાદ તારવવામાં આવ્યા છે.

ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન,જીવ વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન કે મનોવિજ્ઞાન બધા જ વિજ્ઞાન આ વ્યાપ્તિ પદ્ધતિ ને આધારે જ તારણો પ્રાપ્ત કરે છે.

આમ વ્યાપ્તિ એ વિજ્ઞાનનો પાયો કે આધાર છે.”એક્ઝીટ પોલ” પણ વ્યાપ્તિ ને આધારે જ અનુમાન કરે છે.
કેટલીક હકીકતો ને આધારે સાર્વત્રિક વિધાન તારવવું એટલે વ્યાપ્તિ.
વ્યાપ્તિમાં સંભાવના હોય છે.વ્યાપ્તિ હંમેશા સત્ય જ હોય તેવું ના બને પરંતુ સત્ય હોવાની શક્યતા રજૂ કરે છે સિદ્ધાંત સ્થાપનનું બીજ એ વ્યાપ્તિ છે.
સમાન બાબતો જોવી અને મનમાં તર્ક પ્રક્રિયા ચાલે તેમાંથી વિજ્ઞાનનો સિદ્ધાંત જન્મે છે.
પંખીની પાંખો જોઇને જ વિમાનની પાંખો નો વિચાર જન્મ્યો હશે.
પાંદડું ચાલતા પવનનો અનુભવ તેને આધારે હાથ પંખો અને આજે ઇલેક્ટ્રિક પંખો,એરકુલર કે એરકન્ડીશન એ વ્યાપ્તિલક્ષી તાર્કિક પ્રક્રિયાનું પરિણામ છે.

જગતની બધી જ સુખ સગવડો અને શોધ એ વ્યાપ્તિને આધારે થઇ છે એથી જ વ્યાપ્તિ એ વિજ્ઞાન નો પાયો છે એમ કહી શકાય.

તર્કશાસ્ત્ર બધા શાસ્ત્રોનું શાસ્ત્ર એટલા માટે કહેવાય છે કે તેણે વ્યાપ્તિનો ખ્યાલ આપ્યો.

વિજ્ઞાનોનું વિજ્ઞાન એટલા માટેકહેવાય છે કે સંશોધન માટેનો એ પાયો છે.

ઈશ્વર ઈચ્છા બળવાન.

स्वयम् महेश श्वसुरो नगेश: सखा धनेश:तनयो गणेश: |
तथापि भिक्षाटनमेव शम्भो बलीयसी केवलमिश्वरेछा ||
પોતે શિવ મહાન ઈશ (સ્વામી ) છે,સસરા હિમાલય નગ (પર્વતો )ના સ્વામી છે,મિત્ર ધનેશ (કૂબેર )ધન ભંડારી છે,પુત્ર ગણેશ (રિદ્ધિસિદ્ધિ ના સ્વામી શુભ-લાભ ના પિતા) છે તો પણ ભગવાન શમ્ભુ ભિક્ષા માટે ભ્રમણ કરે છે.ખરેખર ઈશ્વર ની ઈચ્છા બળવાન છે.
અષ્ટાંગ યોગ નું પાંચમું સોપાન પ્રત્યાહાર છે.પ્રત્યાહાર એટલે ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ.તે જે કરે તે સારું જ કરશે તેવો દૃઢ વિશ્વાસ.આ સોપાન ભક્તિ માં સહજ સિદ્ધ હોય છે.અનન્ય શરણાગતિ એ ભક્તિ નું સોપાન છે.
જે થાય તે ભલા માટે હશે તેવો ભક્ત દૃઢ વિશ્વાસ રાખે છે.કેટલીક વાર એમ લાગે કે આપણુ અહિત થાય છે.ભાગ્ય ને અવરોધ થાય છે.પરંતુ તેમાં આપણુ હિત છે તે આપણી સમજ બહારનું હોય છે.જયારે કુદરત આપણુ હિત કરે છે એમ સમજવું
આ સંદર્ભે એક સરસ વાર્તા છે.
એક રાજા હતો તેનો એક પ્રધાન.આ પ્રધાન વારેવારે એમ બોલે કે ભગવાન કરે તે ભલા માટે.એકવાર રાજા શેરડી ખાવા બેઠા સૂડી થી શેરડી નો કટકો કરવા જતા અગૂન્ઠો કપાય ગયો.પ્રધાન બોલ્યા કે “ભગવાન કરે તે ભલા માટે” “જે થાય તે સારા માટે “
રાજા ને ગુસ્સો ચઢ્યો કે આવી ઘટના સારી કેમ હોય શકે ? તેણે પ્રધાનને કેદ કર્યા થોડા વખત પછી રાજા શિકાર કરવા નીકળ્યા રસ્તા માં કેટલાક લોકો એ તેમને પકડ્યા અને કહ્યું કે આ તો ૩૨ લક્ષણો ધરાવતો શ્રેષ્ઠ માણસ છે આનો બળી દેવી માં ને ચઢાવીએ.
રાજા ચિતામાં પડી ગયા વધ ની  તૈયારી થઇ પણ અગુન્ઠો કપાયેલો જોઈ આ જંગલના લોકો વિચારવા લાગ્યા કે આ ખંડિત માણસ નો બળી આપી શકાય નહિ અને રાજા ને મુક્ત કર્યો.રાજા માંડ માંડ ઘરે આવ્યો હવે રાજા ને સમજાયું કે આ અંગુઠો કપાયો તેમાં જ જીવતો રહ્યો.પ્રધાન ને મુક્ત કરી ને પૂછ્યું કે “આમાં તારું શું હિત થયું?
પ્રધાને જવાબ આપ્યો કે, “હું પણ બચ્યો કેમકે જો હું તમારી સાથે હોત તો મારો વધ થાત એટલે કુદરતે -ઈશ્વરે સારું જ કર્યું.”बलीयसी केवलमिश्वरेछा |”

શિષ્યપ્રેમ

ભાવનગરથી ૩૦ કિલોમીટર દૂર એક નાનકડો ડુંગર. એનું નામ રીસાળવો.
કેમ એમ ? હા,એ ચમારડીની અને ચોગઠની ડુંગરમાળાથી છૂટો પડી ગયેલો રિસાઈને ઊભો છે.

ત્યાં નજીક ૫ કિલોમીટરે ચોગઠ ગામ છે.ત્યાં ચાર ડુંગર છે.ભગવત્ ગો મંડળમાં આ ચોગઠની વ્યુત્પત્તિ આપી છે.ચતુ:ગ્રંથી એટલે ચાર ગાંઠ.

આ ચોગઠ તરફ જતા આ રીસાળવો ડુંગર ઊભો છે.ડુંગરની તળેટીમાં નાનકડી દેરી-મંદિર છે ધૂંધળીમલનું…
આ ધૂંધળીમલે ૧૨ વર્ષ તપ કર્યું નાથ બનવા માટે. નાથ સંપ્રદાયમાં સ્થાન મેળવવા તપ અને સિદ્ધિ જરૂરી છે.લોકસંગ્રહ-લોકોના કલ્યાણ માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય છે.૧૨ -૧૨ એમ કુલ ૨૪ વર્ષ તપ થયું અને વાણી સિદ્ધ થવા લાગી પણ હજુ નાથ થવા માટે તપ બાકી હતું.

સમય જતા રાજસ્થાનમાં એક રાજાને ત્યાં આ મુનિએ ઉતારો કર્યો.રાજા ને સંતાન નહિ.ત્યાંથી નીકળતા આશીર્વાદ આપ્યા કે, “હે રાજા તારે બે સંતાન -પુત્ર થશે પણ હું ૧૨ વર્ષ પછી આવું ત્યારે એક પુત્ર મને આપજે.”મુનિ નીકળ્યા અને રાજા ને બે પુત્ર થયા.પુત્રો મોટા થવા લાગ્યા.
બાર વર્ષ બાદ ધૂંધળીમલ આવ્યા.રાજાએ આગતા સ્વાગતા કરી.રાજા ને કંઈ પુત્ર આપવો ગમે? વહાલો પુત્ર હતો તેને મેલો-ઘેલો રાખ્યો જેથી મુનિ તેને ના લઇ જાય પણ મુનિ તો તેજસ્વી પુત્ર ને પારખી ગયા અને એ મેલોઘેલો જ પુત્ર માગી લીધો રાજાને પણ કોઈ વિકલ્પ -છૂટકો નહોતો.
ધૂંધળીમલ આ રાજકુમારને લઇને આ ચોગઠ ઢાળે આવ્યા.આ રીસાળવા ડુંગરની તળેટીમાં તપ શરુ કર્યું.રાજકુમાર તેનો શિષ્ય પણ હવે તે રાજકુમાર નહોતો તે તો હતો માત્ર શિષ્ય.

આ શિષ્ય લાકડા કાપી,ભારો બાંધી ૯ કિલોમીટર દૂર વલભીપુર-પાટણ માં વેચવા જાય અને જે પૈસા મળે તેમાંથી વસ્તુ ખરીદી અને એક કુંભારણ માડી પાસેથી થોડો બાજરાનો લોટ મળે તેમાંથી રોટલો ઘડી ગુરુજી ને ખવડાવે.ભારો ઉપાડવાથી ધારું પડી ગયેલુંઆ શિષ્યને….
એક દિવસે ગુરુ એ આ ધારું જોયું અને પૂછ્યું, “આ શું થયું બેટા,”શિષ્યે સાચી વાત કહી કે અહીં ભિક્ષાથી ફક્ત એક માજી લોટ આપે છે બાકી આ વલભીપુરમાંથી કંઈ મળતું નથી.તપને કારણે અને શિષ્ય પ્રત્યેના અદ્ભૂત પ્રેમને કારણે ધૂંધળીમલ ખીજાયા.શિષ્ય ને કીધું કે, “જા પેલા માડી ને કહી દે કે ભાગવા માંડે હવે આ નગરનો નાશ થશે”
શિષ્યએ માડીને પાછું જોયા વિના ભાગવા કહ્યું. કુંભારણ માડી ભાવનગર-એ વખતનું ગોહિલવાડ તરફ ભાગવા લાગ્યા.

ચમારડી ડુંગર પાછળથી આ ભાવનગર ૨૧ કિલોમીટર થાય.
ધૂંધળીમલે વલભીપુરને શ્રાપ આપ્યો,”પટ્ટણ સો દટ્ટણ ને માનવ સો મીટ્ટી” શિષ્ય નું દુઃખ જોઈ ના શકવાથી આવો શ્રાપ અપાયો.

જે તપથી જનહિત થવાનું હતું તે તપથી વિનાશ થયો. સમૃદ્ધ વલભીપુર નાશ પામ્યું .એક વખતનું સુંદર બંદર અને વલભી વિદ્યાપીઠ ઐતિહાસિક નગર બની ગયું હજુ તેના અવશેષો મળ્યા કરે છે.

સમૃદ્ધ હોવા છતાં તપસ્વી અને છાત્રનો અનાદર વલભીના નાશનું કારણ બન્યો.તપના નાશથી મુનિ પણ દુઃખી થયા પણ જે વિશ્વાસે રાજકુમારને લઇ આવ્યા તેની પ્રત્યેના પ્રેમને નમસ્કાર.ગુરુને શિષ્યથી વધુ શું હોય?એમા ય આવા ત્યાગી શિષ્ય માટે તો બધું કુરબાન છે. તે આ ધૂંધળીમલે સાબિત કર્યું.જે વલભીમાં બુદ્ધ સાધુ અભ્યાસ કરવા આવતા તે નષ્ટ થયું.
હ્યુ-એન -સંગ આવ્યો ત્યારે તેને આ નગર વિશે લખ્યું છે કે,”અહીં ૪૦ વર્ષ પહેલા ભતૃહરિ રાજા થઈ ગયો એણે સાત વખત સંસાર ત્યાગ્યો અને સાત વખત સંસારમાં પ્રવેશ્યો.”આ ભર્તુહરિ જેણે “વાક્યપદીય”વ્યાકરણનો ગ્રન્થ લખ્યો.જેણે “શબ્દ બ્રહ્મ”ની ઉપાસના કરી.
અને હા | પેલા કુંભાર માડી ભાગતા ભાગતા ભાવનગરને પાદર પહોંચ્યાં તે માડીનું મંદિર બન્યું તે રૂવાપરી માતાનું મંદિર.જ્યા શીતળાસાતમનો મેળો ભરાય છે.

સંસાર

संसरति इति संसार |
જે સતત સર્યા કરે છે તે સંસાર. દુનિયા કે જગત જડ અને ચેતન બંને તત્વો નું બનેલું છે.પરંતુ સંસાર એ ભાવનાત્મક બાબત સાથે જોડાયેલી બાબત છે.સંસાર એટલે સગાવહાલા અને કુટુંબ.જેને કારણે માનવી ને ભાવનાત્મક બંધન થાય છે તેથી જ આ સંસાર નો ત્યાગ કરવો મુશ્કેલ છે સંસાર ને નાટક જેવો કહ્યો છે.જેમ નાટકમાં માનવી કોઈ પાત્ર ભજવે છે તે ફક્ત અભિનય કરે છે.તે વાસ્તવિક હોતું નથી તેમ આ સંસાર માં વ્યક્તિ જુદાજુદા પાત્ર ભજવે છે આ સંસાર રૂપી રંગમંચ પર આપણે ભાગે જુદાજુદા પાત્રો તરીકે ભાગ લેવાનો હોય છે.
નાટક એટલે જે ટકતું નથી તે .વ્યક્તિ માટે આ સંસાર સ્થિર નથી ટકતો નથી જેમ નાટક પૂરું થાય તેમ સંસાર પણ માનવી માટે કાયમી નથી.લાખો વરસના સમયના પ્રવાહમાં માનવીને ૭૦ કે વધુમાં વધુ ૧૦૦ વરસ મળે છે.જે બહુ સીમિત જ કહેવાય પણ સારું છે કે આવી ખબર હોવા છતાં માણસ ને આ બાબત સતત યાદ રહેતી નથી તેથી જ તે મકાન બનાવે છે અને પૈસા એકઠા કરે છે.સંપતિ ભેગી કરે છે.
નાટક શબ્દ ની બીજી વ્યુત્પત્તિ છે કે જે ના અટકે તે નાટક. આ સંસાર રૂપી નાટક ક્યારેય અટકતું નથી જે ચાલ્યા જ કરે છે માણસ મૃત્યુ પામે તો પણ આ સંસાર અટકતો નથી.
બુદ્ધે એટલે જ કહ્યું છે કે “सर्वत्र हि क्षणिकम् क्षणिकम् |” ક્ષણે ક્ષણે જે બદલાયા કરે છે તે જ સંસાર.આ સંસાર માં અનેક વિષમતાઓ જોવા મળે છે.કોઈ ગરીબ તો કોઈ તવંગર. કોઈ તંદુરસ્ત તો કોઈ દુબળું કોઈ રોગી તો કોઈ યોગી આવું કેમ ? તેનો જવાબ Physics પાસે નહિ પણ Meta Physics પાસે છે કર્મ ને આધારે આ બધી વિષમતા જોવા મળે છે સંપતિ, રૂપ, દેખાવ,શરીર, સગાવહાલાં,જન્મ -મૃત્યુ આ બધા નો આધાર કર્મ છે તેમ અધ્યાત્મ વાદ સ્વીકારે છે.

પ્રજ્ઞા

પ્રજ્ઞા એટલે બુદ્ધિ એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે.
શ્રીમદ્ ભગવતગીતા માં કહ્યું છે કે
प्रज्ञावान लभते ज्ञानम् |
પ્રજ્ઞાવાન વ્યક્તિ જ્ઞાન મેળવે છે.માનવી ચાર અંત: કરણ ધરાવે છે.

મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બુદ્ધિ નું કાર્ય લાભ અને ગેરલાભ જોવાનું ક્યા કાર્ય કરવાથી લાભ થશે ફાયદો થશે તેવું વ્યક્તિ વિચારે છે.

આમાં ભૌતિક લાભ જ કેન્દ્રમાં હોય ત્યારે વ્યક્તિ બુદ્ધિ દ્વારા તે લાભ હાંસલ કરે છે,પરંતુ તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી.ચેસ રમતી વખતે વ્યક્તિ કયું પગલું ચાલવાથી પોતે જીતશે એવું વિચારે છે આવું વિચારવું બુદ્ધિ નું કાર્ય છે.વ્યવહારમાં પણ કોની સાથે સારો સંબંધ રાખીશ તો ફાયદો થશે તેવું વિચારવું બુદ્ધિ નું કાર્ય છે વ્યાપારી બુદ્ધિ છે.
જયારે પ્રજ્ઞા એથી ચડિયાતું વિચારે છે જે ફક્ત ભૌતિક લાભ નહિ પરંતુ આત્માને આનંદ થાય તેવું વિચારે.
જયારે કોઈ બાબતને તટસ્થ બુદ્ધિથી રાગદ્વેષ વગર (વસ્તુ જેવી છે તેવી જ જોવામાં આવે) વસ્તુલક્ષી રીતે જોવામાં આવે ત્યારે તે પ્રજ્ઞાવાન થયો કહેવાય તેને પોતાનું અને પારકું એવો ભેદ હોતો નથી પણ જે ખરેખર મૂલ્યવાન હોય તેનું મહત્ત્વ આંકે છે.જયારે બુદ્ધિ શાળી વ્યક્તિ ને ગુણવત્તા કરતા પોતાનું જ બધું સારું તેવો ખ્યાલ હોય છે.

ખ્યાલ કરતા પણ તે પોતાની વસ્તુ ને શ્રેષ્ઠ સાબિત કરવા મથે છે.
છગન મગન બે સોનાના,પાડોશીના પિત્તળના,અને ગામના છોકરા ગારાના.
જેમકે મારું સંતાન,મારા જ્ઞાતિના,મારા સગા વહાલા જ ,મારા પાડોશી, મારી વસ્તુ જ સારી આમ બુદ્ધિશાળી બોલ્યા કરે.જયારે પ્રજ્ઞાવાન વ્યક્તિ નોકર-ચાકર માં રહેલ આવડત ને પણ પિછાને છે.જેને અહમ અને મમત્વ મારાપણું અને પરાકાપણાનો ત્યાગ કર્યો હોય છે.આને માટે જ ગીતાકાર કહે છે કે,
तस्य प्रज्ञा प्रतिष्ठिता |

તેની બુદ્ધિ સ્થિર થાય છે,આવી સ્થિરબુદ્ધિવાળો જ જ્ઞાન મેળવે છે.

अयं निज परो वेत्ति गणना लघु चेतसाम् |
उदार चरितानाम् तु वसुधैव कुटुम्बकम् ||
આ મારો અને આ પારકો તેવી ગણતરી ટૂંકા મન વાળા ની હોય છે ઉદારચરિત્રવાળાને તો સમગ્ર સૃષ્ટિ કુટુંબ છે.આથી જ રામ માટે उदार अंग विभूषणम् | કહેવાયું છે.

ચિત્રલેખા -Ex Google

Image

ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનો મહિમા છે.પંદરમાં સૈકામાં આ આખ્યાન લખાયું છે.તેનું કથાવસ્તુ પુરાણમાંથી લેવાયેલું છે.તેમાં ચિત્રલેખા એક પાત્ર. જે તે સમયની પ્રથમ ઉડતી કન્યા -Flying Lady- શક્તિશાળી અને  સાથોસાથ જીવંત ચિત્ર દોરવાની ક્ષમતા ધરાવતી  કન્યા.
તે સમયે મુનિ કશ્યપ અને તેની બે પત્ની દિતિ અને અદિતિ. જે પૈકી અદિતિથી સંતાનો  થયા તે આદિત્ય સૂર્ય અને દેવો. જયારે દિતિથી થયેલા  સંતાનો એટલે બે 
 દૈત્યો  હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ હિરણ્યકશિપુનો પુત્ર તે પ્રહલાદ અને પ્રહલાદનો પુત્ર વિરોચન. વિરોચનનો પુત્ર  બલિરાજા. આ બલિરાજા નો પુત્ર બાણાસુર આ
બાણાસુરને શિવકૃપાથી  હજાર હાથ મળેલા. તેને શિવકૃપાથી એક પુત્રી પણ થઇ જેનું નામ ઓખા કે ઉષા. બાણાસુરનો પ્રધાન કૌભાંડ.  તેને એક કન્યા તે ચિત્રલેખા. ખરેખર તો આ કન્યા ખરેખર તો વરુણદેવ -જળદેવ ની પુત્રી છે, જે  બાણાસુરના નાશ માટે ઉતપન્ન થયેલી.
ઓખા અને ચિત્રલેખા બંને સખી છે.બાણાસુર ને શ્રાપ છે કે તેની પુત્રી પરણશે ત્યારે તેનો પતિ બાણાસુર ના હજાર હાથ કાપશે.આને કારણે તે પુત્રી કોઈ યુવક ના સંપર્ક માં ના આવે તેથી તેને એક દંડિયા મહેલ માં સંતાડી રાખે છે.સાથે આ ચિત્રલેખા તેની સખી પણ રહેતી હોય છે ઓખા ને સ્વપ્નમાં એક કુમાર (અનિરુદ્ધ) સાથે લગ્ન થાય છે.હવે યુવક કોણ ? તે કોણ શોધી લાવે ?
આ માટે ઓખા ચિત્રલેખા ને કહે છે કે તું આ શોધ.ચિત્રલેખા પાસે બે અદભૂત શક્તિ છે એક તો ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણવાની અને તેનું ચિત્ર દોરી શકવાનું પણ તેને આવડે છે.તે જુદાજુદા નગર- શહેર અનેક પ્રદેશ ના લોકો ને બતાવે છે.જે રીતે google search માં કંઈપણ શોધી શકાય તે રીતે ચિત્રલેખા દ્વારકા માં રહેલા કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમન અને તેના પુત્ર અનિરુદ્ધને બતાવે છે.
ઓખા રાજી થાય છે અને ચિત્રલેખા ને કહે છે કે હવે આ કુમાર- યુવક ને લાવી દે.ચિત્રલેખા ઉડતી ઉડતી દ્વારકા જાય છે અને સુદર્શન ચક્ર ની ચોકી વટાવી ને અનિરૂદ્ધ નું હરણ કરે છે.આખ્યાન કાવ્યનું  નામ ભલે ઓખાહરણ હોય ખરેખર તો તેમાં અનિરૂદ્ધ નું હરણ થાય છે અને બંને ના લગ્ન થાય છે.
મને તો આ ચિત્રલેખા નું પાત્ર વાંચતા google યાદ આવ્યું.કોઈપણ કાલ્પનિક કથા ક્યારેક હકીકત બને છે. Fiction is now Fact.પ્રેમાનંદે આ પાત્ર નું અદભૂત ચિત્રણ કર્યું છે.

આજનો સુવિચાર

अमन्त्रो अक्षरं नास्ति नास्ति मूलं अनौषधम् |
अयोग्य पुरुषो नास्ति योजक: तत्र दुर्लभम् ||
કોઈ અક્ષર એવો નથી જેમાંથી મંત્ર બની શકે નહિ,કોઈ મૂળ એવું નથી કે જેમાંથી ઔષધી ના બની શકે, એવી જ રીતે કોઈ વ્યક્તિ અયોગ્ય નથી ફક્ત તેને યોગ્ય કાર્યમાં જોડનાર માણસ મળવો મુશ્કેલ છે.

મેષસ્થ સૂર્ય -મેષાર્ક

તારીખ ૧૪.૨.૨૦૧૪ ના સવારે 7.39 મીનીટે સૂર્ય (મેષાર્ક ) મેષ રાશિમાં પ્રવેશ્યો.આ કોઈ નવી ઘટના નથી.દર વર્ષે ૧૪મી અપ્રિલે બનતી આ ઘટના છે. આ .ખગોળશાસ્ત્રીય ઘટના છે.પરંતુ મેષ રાશિ સૂર્ય ની ઉચ્ચ રાશી છે.મેષ રાશી મંગળ નું ઘર છે. તેથી આવા સૂર્ય માં જન્મેલા સૂર્ય મંગળ ના ગુણો ધરાવે છે.ખાસ કરીને આ ૧૪મી એપ્રિલ થી ૧૪મી મે સુધી જન્મેલા જાતકો પ્રબળ અગ્નિ તત્વ ધરાવે છે.
આવા જાતકો સ્વમાની હોય અને વધુ પડતો આત્મ વિશ્વાસ ધરાવનારા હોય છે.રાજકારણ, મેડિકલ,ઉચ્ચ અધિકારી -સરકારી ક્ષેત્રમાં સ્થાન મેળવે છે.પત્રકારિત્વ તરફ પણ લઇ જાય છે.
નકારાત્મક બાબત એ કે ગરમી ને લગતા દર્દ તેને પરેશાન કરે છે.પિત્ત પ્રકૃતિ ધરાવનારા હોય છે.પ્રથમ સ્થાનમાં સંબંધ ધરાવતો સૂર્ય મોઢાં માં ચાંદા, પાંચમાં સ્થાન માં હોય તો પેટ- લીવર માં ચાંદા હોય શકે,આઠમાં સ્થાન માં હોય તો આંતરડા માં ગરમી આપે છે.
કાળ પુરુષ નું લગ્ન પણ મેષ છે.
લગ્ન જ્યોતિષ શાસ્ત્ર નો પારિભાષિક શબ્દ છે.
લગ્ન એટલે જન્મ સમયે પૂર્વ દિશામાં જે રાશી હોય તે રાશી વ્યક્તિ નું લગ્ન કહેવાય.
આ ૧૪મી એપ્રિલ થી ૧૪મી મે સુધી સવારે સૂર્ય ઉગે ત્યારે મેષ લગ્ન હોય,જો કાળ પુરુષ નું લગ્ન મેષ છે તેથી કાળ- સમય શરુ પણ આ ગાળા માં થયો હશે.આ સૂર્ય સાથે બુધ એક જ અંશ ની યુતિ થતી હોય તો તેવી વ્યક્તિ ગણિત માં હોશિયાર હોય છે.
સૂર્ય ગ્રહ મંડળ નો રાજા છે જયારે મંગળ ગ્રહ મંડળ માં સેનાપતિ છે.આમ રાજા સૂર્ય એ મંગળ સેનાપતિ ના ઘરે પધાર્યા છે.આ બંને નો સંબંધ ગરમી વધારશે. આમ પણ ચૈત્ર ના દનૈયા -દિવસો તપે ગરમી વધે તે સારું …કેમકે …
દુર્જન ની કૃપા બુરી ,ભલો સજ્જન નો ત્રાસ ,
જો સુરજ ગરમી કરે ,તો વરસ્યા ની આશ .
આમ સજ્જન એવો સૂર્ય તપશે તો જ વરસાદ સારો આવશે.

શિક્ષણ અને મૂલ્યો

શિક્ષણ અને મૂલ્યો
જે શિક્ષણ ઉત્તમ મૂલ્યો કેળવી શકે તેને જ સારું શિક્ષણ કહેવાય.

સમાજમાં મૂલ્યો ન કેળવી શકે તેવી શિક્ષણ નીતિ સ્વીકાર્ય બનતી નથી કે આવકાર્ય પણ નથી.”કોઈપણ માનવી પૂર્ણ નથી.”એ વાત તત્વજ્ઞાન પહેલા સ્વીકારે છે.

પરંતુ માનવી એ પૂર્ણ બનવા મથામણ કરવી પડે છે.આ મથામણ જ શિક્ષણની પ્રક્રિયા છે.શિક્ષિત માણસ ષડ રિપુ [ કામ, ક્રોધ,લોભ, મોહ(વાસના),મદ અને મત્સર(ઈર્ષા) ]થી મુક્ત નથી થઈ જતો.
પરંતુ આ બાબતોને સમજી તેનાથી અળગો થવાનો પ્રયત્ન કરે છે કે તેનો ઉપાય વિચારે છે.

ક્રોધ થયા પછી તેને સમજાય છે કે ક્રોધને કારણે તેને માનસિક, શારીરિક,સામાજિક અને આર્થિક કેવું કેવું નુકશાન થાય છે.આવું આત્મનિરીક્ષણ કરતા શિક્ષણ શીખવે છે.
પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે એ કરતા ચોરી કરવાનું મન જ ના થાય એવી પરિસ્થિતિનું નિર્માણ શિક્ષણ દ્વારા થવું જોઈએ.

ચોરી કરીને મેળવેલા માર્કનો વાસ્તવિક જીવનમાં કોઈ ફાયદો થવાનો નથી.

આવું વિદ્યાર્થી વિચારતો થાય તે આવશ્યક છે.જેટલું આવડે છે તે જ ઉપયોગી થવાનું છે.તે તેને સમજાવું જોઈએ.સોજો ચડી ગયેલા શરીર કરતા સુદૃઢ શરીર જ સારું તેમ તેને લાગવું જોઈએ.
કોઈની ઝૂંટવી લીધેલી સંપતિ કરતા મહેનતથી પ્રાપ્ત થયેલી સંપતિ જ શાંતિ આપે તે વિદ્યાર્થી ને ગળે ઉતરવું જોઈએ.

ગરીબ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સમૃદ્ધ બને તો તેને બીજા મહેનત કરતા વ્યક્તિ પ્રત્યે હમદર્દી થાય છે આવી વ્યક્તિને સમજ છઠ્ઠી ઇન્દ્રિયથી આવે છે.

મહેનતુ વ્યક્તિમાં આવી સમજ હોય છે.ઘણીવાર આવડત વગર જ ગેરરીતિ દ્વારા માર્ક મેળવી ને કોઈ હોદ્દો મેળવી લેવામાં આવે તો તે ભારરૂપ બની જાય છે.

આવી વ્યક્તિ શિક્ષક બને તો કઈ રીતે સફળ બને કે વર્ગખંડ માં ઊભો રહે,કેશિયર બને તો ગોટાળો જ કરે,ડોક્ટર બને તો કોઈના જીવનું જોખમ ઊભું કરે આ કરતાં તો તે પ્રામાણિક અને મહેનતુ દૂધવાળો,છાપા વેચનાર ફેરીઓ,કડિયો, પ્લમ્બર,ડ્રાઈવર,દરજી વગેરે બને તે સારું.

આવી વ્યક્તિની સમાજમાં નામના હોય છે.શિક્ષણ દ્વારા પ્રમાણિકતા અને આત્મ નિરીક્ષણ આવે તે જરૂરી છે.
મૂલ્ય શિક્ષણ માટે પંચતંત્ર,હિતોપદેશ,ઈશપની બોધકથાઓ, બત્રીસ પુતળીની વાર્તા,વેતાલપચીસીની વાતો અભ્યાસક્રમમાં મૂકી શકાય. શિક્ષક પોતાના જીવન પ્રસંગો જેમાં મૂલ્યો સંકળાયેલ હોય તેવી વાતો વિદ્યાર્થીને માટે પ્રેરક બને છે.

શિક્ષણ અને શ્રમ

શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે અનુભવીએ છીએ કે વિદ્યાર્થીઓને શ્રમ કરવો ગમે છે.જયારે તેમને કંઈ પણ કામ સોંપીએ તો હોશ ભેર તે કામ કરે છે.તેમને વાંચવાનું અથવા બગીચામાં પાંદડા વીણવાનું કામ આપીએ તો ૭૫ થી ૮૦ ટકા વિદ્યાર્થી પાંદડા વીણવાનું ,કોદાળી-પાવડો લઈને ખોદવાનું કામ પસંદ કરે છે.આ દર્શાવે છે કે બાળકો ને શારીરિક શ્રમ કરવો ગમે છે .
શારીરિક શ્રમ એ આપણી મૂળભૂત પ્રકૃતિ છે એમાયે ખાસ કરી ને પ્રાથમિક -હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ જેમનો શારીરિક વિકાસ નો તબક્કો ચાલી રહ્યો છે તેમને આવા દોડાદોડી ના શારીરિક કામ ખૂબ ગમે છે.
શિક્ષક વર્ગ માં બોલે કે હાજરી પત્રક કે ચોક અથવા ડસ્ટર લેવા કોણ જશે તુરત ચાર કે પાંચ જણ દોડે છે.આ બતાવે છે કે તેમને શારીરિક કાર્યો ગમે છે કોઈ “ગેસ્ટ” આવવાનું હોય શાળામાં કે ઘરે સાફસૂફી કરવાની હોય,ફર્નીચર આમથી તેમ ફેરવવાનું હોય બાળકો કેટલા ઉત્સાહ થી કામ કરે છે કેટલીક વાર તો તેમને થાકી ના જાય કે માંદા ના પડે તે માટે આવા કામમાંથી રોકવા પડે છે શારીરિક શ્રમ તેમનો મૂળભૂત સ્વભાવ છે.
કોમ્પ્યુટર નો તાસ,ચિત્ર નો તાસ કે શારીરિક શિક્ષણ નો તાસ, રમત-ગમત ના તાસ નો ખૂબ આગ્રહ રાખે છે.અમારે રમતના તાસ આ અઠવાડિયા માં આવ્યા જ નથી તેવી ફરિયાદ પણ કરે છે.અભ્યાસ ના તાસ કરતા પ્રવૃત્તિ ના તાસ ગમે છે.આવા પ્રવૃત્તિ ના તાસ એક સાથે બે બે તાસ હોય તો પણ તેમને કંટાળો આવતો નથી.જયારે ગણિત વિજ્ઞાન કે સંસ્કૃત ના એક તાસ પૂરો થાય કે ” હા ..શ “બોલે છે.આનો અર્થ એમકે બાળકો ને બોદ્ધિક શ્રમ ઓછો ગમે છે.
આથી એવું જ કરવું જોઈએ કે શાળા માં ચાર પીરીયડ બોદ્ધિક શ્રમ ના હોય તો ચાર પીરીયડ તો શારીરિક શ્રમ ના હોવા જ જોઈએ તો જ બાળકો ને શાળાએ આવવાની અભિરુચિ વધશે.
શારીરિક શ્રમ પછીના તાસ માં વિદ્યાર્થી જેમણે શ્રમ કર્યો હોય તેવા વિદ્યાર્થી શાંતિ થી ભણે છે-તેમનામાં શિસ્ત પણ આવે છે. શ્રમ એવાં બાળકો ને નથી ગમતો કે જેને એવી ગ્રંથી ઘરેથી જ બંધાયેલી હોય કે શ્રમ તો નિમ્ન વર્ગ ના લોકો જ કરે. આવા અમીર બાળકો ને શ્રમ પ્રતિ સૂગ હોય છે.કાં તો બાળક શારીરિક નબળું હોય તો તેને થાક લાગતો હોવાથી કામ ગમતું નથી પરંતુ મોટાભાગ ના બાળકો શ્રમ પ્રતિ હકારાત્મક અભિગમ ધરાવે છે.
આ ઉપરાંત એવું પણ જોવા મળે છે કે આવા રમતગમત ના કે શારીરિક શ્રમ ના તાસ લેતા ચિત્ર કે કોમ્પ્યુટર ના તાસ લેતા શિક્ષકો પ્રત્યે તેમને આત્મીયતા પણ હોય છે તેમનું કીધું તેઓ વધારે માને છે આમ શારીરિક શ્રમ ને શિક્ષણ સાથે સાંકળી લેવો જરૂરી છે.

શિક્ષણમાં પરિવર્તન

આજે શિક્ષકો અને અને વાલીઓની સર્વ સામાન્ય ફરિયાદ છે કે બાળકને -વિદ્યાર્થીને -ભણવામાં રસ નથી જો કે ભણવામાં રસ ના હોય તો તેને વિદ્યાર્થી કેમ કહી શકાય ?
પણ આ રસ ન હોવાનું કારણ આપણે વિચારતાં નથી તેથી જ ઉપર મુજબની ફરિયાદ થતી હોય છે.
આ બાબતે વિચારતાં તુરત જ તેનો ઉકેલ મળે કે બાળકને રસ રુચિ પ્રમાણે આપણે ભણવાનો મોકો આપીએ છીએ ખરા? શું આપણે બધાને ડોક્ટર, એન્જીનીયર કે કલાકાર બનાવી શકીએ ? નહિ જ .
આજે નવમા અને દસમા ધોરણમાં પાંચ વિષયો ફરજિયાત ભણવાના છે.જે વિદ્યાર્થીની મન:સ્થિતિને જરા પણ અનુકૂળ નથી.બધા વિદ્યાર્થીને ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન અને ગણિતમાં રસ હોય શકે નહિ તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીને ચિત્ર, સંગીત કે ભાષામાં રસ હોય શકે નહિ.આ માટે હવે નવમા ધોરણથી જ વિષય પસંદગીની તક આપવી જોઈએ.
જયારે વિદ્યાર્થી અગિયારમાં ધોરણમાં આવે છે ત્યાર પછી બારમાં ધોરણમાં પરિણામ સારું જોવા મળે છે, કેમકે તે તેના મનગમતા વિષયો ભણે છે.આનો અર્થ એ કે જો વિદ્યાર્થીને રસ હોય તેવું ભણવા મળે તો વિધાયક પરિણામ પ્રાપ્ત થાય છે.
કોઠારી કમીશન મુજબ જયારે વ્યવસાયલક્ષી શાળાઓ ખુલી ત્યારે આઠમાં ધોરણથી જ રસને અનુરૂપ વિષય પસંદ કરવાની છૂટ હતી આને કારણે આવી વ્યવસાયલક્ષી શાળાઓ અસ્તિત્વમાં આવી હતી. ટેકનીકલ હાઇસ્કૂલ પણ હતી જેને કારણે આવો રસ ધરાવનાર વિદ્યાર્થીને તે બાજુ જ અભ્યાસમાં વળી જતા.
આજે દસમા ધોરણ પછી જ વિષય પસંદગીની છૂટ હોવાથી કેટલાયે વિદ્યાર્થી દસમાની બોર્ડની પરીક્ષામાં ફેઈલ થાય છે.

પરિણામે હતાશ બને છે ચાલીસથી પચાસ ટકા વિદ્યાર્થીને ગણિત,વિજ્ઞાન અઘરું લાગે છે.બોર્ડ ની દસમાની પરીક્ષામાં આ વિષયમાં વિદ્યાર્થીઓની રીપીટરની સંખ્યા સૌથી વધુ હોય છે.દસમા ધોરણના શિક્ષકો જેને રસ નથી તેવા વિદ્યાર્થી ને ભણાવવા આકાશ પાતાળ એક કરે છે પણ તેમને પણ હતાશા સિવાય કંઈ લાધતું નથી.
આ માટે સારો ઉપાય એ છે કે માતૃભાષા એક જ ફરજિયાત હોય બાકી ગણિત-વિજ્ઞાન ને બદલે ચિત્ર કોમ્પ્યુટર સંગીત કે શારીરિક શિક્ષણનો વિકલ્પ આપી જુઓ.

ભણવા -ભણાવવાની કેવી મજા આવે છે.ગણિતના વિકલ્પે વાણિજ્ય ગણિત આપી શકાય વિજ્ઞાનને બદલે શારીરિક વિજ્ઞાન કે માનવ જીવન વિજ્ઞાન આપી શકાય આમ થાય તો
શિક્ષણમાં નવોન્મેષ આવશે તેમ લાગે છે. આમાં નવું કરવાનું નથી પસંદગીના વિકલ્પો વધુ આપવાના છે અથવા આ વિકલ્પોનું માળખું થોડું ફેરવવાનું છે,ઇચ્છીએ કે આવું થાય.